Monday, September 14, 2009

તમારું વજન ઘટાડવા માટે શું આપ કંઈક અલગ કરવા માટે તૈયાર છો ?

સૌથી પહેલાં તો એ જાણી લો કે અહીં તમે કોઈ વજન ઘટાડવાની યોજના (Weight Loss Plan) કે કોઈ ચીલાચાલુ નૂસખો અપનાવી રહ્યા નથી પણ એક ચોક્ક્સ પ્રણાલીને (System) અપનાવી રહ્યા છો. હવે આપ જે નવી વેઇટલોસ સિસ્ટમને અપનાવવા જઇ રહ્યા છો તે સિસ્ટમ વજન ઘટાડવા માટે અત્યાર સુધીની તમામ હદને વળોટીને સાવ અનોખી જ રીતે તમારું વજન ઘટાડવામાં સહાયરૂપ થાય છે. આ પદ્ધતિ સાવ સહેલામાં સહેલી પદ્ધતિ છે એમ કહેવું જરાય ખોટું નથી. પણ, એવું રખે માનતા કે આ પદ્ધતિ સહેલી છે એટલે એ સકસેસફૂલ નહી જ હોય. મનુષ્યની ખાસિયત એ છે કે એ હંમેશા એવુંજ વિચારે છે કે જે સહેલું હોય છે તે કદી સકસેસફૂલ હોતું નથી. આ પદ્ધતિ દ્વારા તમે ખરેખર પાતળા થશો જ... કારણ કે, આ પદ્ધતિ ખરેખર તેનું કાર્ય કરે છે.
મને આનંદ છે કે આપ આપના વજન બાબતે જાગૃત થયા છો અથવા (હસતા હસતા કહું તો) આપને પરાણે જાગૃત કરવામાં આવ્યા છે. જો આપને ખરેખર પરાણે પરાણે જાગૃત કરવામાં આવ્યા હોય તો પણ આ નવા સકસેસફૂલ વેઇટલોસ કન્સેપ્ટથી તમને કોઇ તકલીફ નહીં થાય અને આનંદ કરતા કરતા તમે તમારું વજન ઘટાડી શકશો તેની હું પૂરેપૂરી ખાત્રી આપું છું.
તમે અત્યાર સુધીમાં વજન ઘટાડવા માટેના અનેક પ્રકારના કિમીયાઓ અજમાવી જોયા હશે અને એ તમામ કિમીયાઓને નિષ્ફળ થતાં પણ જોયા હશે, પણ હવે "નો પ્રોબ્લેમ". વજન ઉતારવા માટે અત્યાર સુધી જેટલી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે તે મુખ્યત્વે તમારા આહારમાં ફેરફાર કરવા પર જ આધારિત હોય છે અથવા તો તન-તોડ કસરતો પર આધારિત હોય છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. લેટેસ્ટ રિસર્ચ દ્વારા માલૂમ પડ્યું છે કે વજન ઘટાડવા માટે લગભગ તમામ પ્રકારના ડાયેટ પ્લાન કે ડાયેટીંગ સિસ્ટમ અને ડાયેટરી ફૂડ સપ્લીમેન્ટસ લગભગ નિષ્ફળ સાબિત થયા છે. ટ્રેડિશનલ વેઇટલોસ સિસ્ટમ્સ અને ડાયેટ પ્લાન દ્વારા અમૂક કિસ્સાઓમાં વજન ઘટ્યું પણ છે પરંતુ એવું કહી શકાય કે ટ્રેડિશનલ વેઇટલોસ સિસ્ટમ્સ અને ડાયેટ પ્લાન દ્વારા માત્ર 10% લોકોનું વજન ઘટે છે. પરંતુ, ક્યારેક કયારેક તો ખૂદ ડાયેટીંગ જ વજન વધવાનું કારણ બની જાય છે... અને જેને સોલ્યુશન તરીકે ગણવામાં આવે છે એ સોલ્યુશન જ પ્રોબ્લેમ પેદા કરવા માટે જવાબદાર પરિબળ બની જાય છે.

જ્યારે તમે તનતોડ કસરતો કે ડાયેટ-ચાર્ટ કે ડાયેટીંગ કે ડાયેટરી ફૂડ સપ્લીમેન્ટ્સ દ્વારા વજન ઘટાડવા માટે પ્રયત્ન કરો છો ત્યારે કદાચ આંશિક સફળતા તો મળી જાય છે પણ છે પરંતુ એ સફળતા કદાચ કાયમી હોતી નથી. ત્યારબાદ જયારે તમે તમારા આ ડાયેટીંગ કે કસરતોમાં કંઈક ફેરફાર કરો છો અથવા એ બંધ કરો છો ત્યારે તમારું વજન ફરીથી વધી પણ શકે છે અને અમૂક કિસ્સાઓમાં તો જેટલું વજન ઘટ્યું હોય તેના કરતા પણ વજન વધી જતું હોય છે. અથવા ક્યારેક એવું પણ બને છે કે આ તનતોડ કસરતો કે વધારે પડતું ડાયેટીંગ આપના શરીરને નૂકશાનકર્તા બને છે અને કદાચ કોઈ રોગ પણ લાગુ પડી શકે છે અને ત્યારે બકરું કાઢતા ઊંટ પેસી ગયું હોય તેવી હાલત થાય છે.
જગતના વેઇટલોસ એક્સપર્ટસ દ્વારા કરવામાં આવેલા નવા રિસર્ચ પ્રમાણે એવું જાણવા મળે છે કે વજન વધવા માટે આગળ દર્શાવ્યા પ્રમાણેની મુખ્યત્વે ત્રણ ચોક્ક્સ પેટર્ન (ઢબ) જવાબદાર હોય છે.
૧. ઓબ્સેસીવ ડાયેટીંગ એટલે કે વજન ન વધે તે માટે ભૂખ્યા રહેવાનું વળગણ.
૨. ઈમોશનલ ઈટીંગ એટલે કે તમારી ચિંતાઓ, સ્ટ્રેસથી કે અન્ય નેગેટીવ ઈમોશનથી કામચલાઉ રાહત મળે તે માટે કંઈક ને કંઈક આરોગે રાખવાની ટેવ પડી જવી.
૩. ફોલ્ટી પ્રોગ્રામીંગ અથવા સાયકોલોજીકલ રિવર્સલ એટલે કે ખામીયુક્ત માનસિક બંધારણ. તમારા અજાગૃત મનમાં અજાણપણે ઘર કરી ગયેલી નકારાત્મક સુચનાઓ વજન વધવામાટે મુખ્ય જવાબદાર પરિબળ બને છે. અને તેના કારણે લાખ પ્રયત્નો કરવા છતાં પણ વજન ઉતરતું નથી.

ઉપરોક્ત ત્રણે પરિબળો પર EFT® ખૂબજ સુંદર પરિણામ આપી શકે છે. EFT®ના ઉપયોગ દ્વારા, આપણને ભૂખ ન હોય ત્યારે આહાર લેવાની જે તીવ્ર ઝંખના (immediate cravings) હોય છે તેને માત્ર એક કે બે મિનિટમાં જ ઓછી કરી શકાય છે અથવા તો સાવ નેસ્તનાબૂદ કરી શકાય છે, આથી તમને જ્યારે ખરેખર ભૂખ નથી હોતી ત્યારે કંઈક ખાવાની જરૂરત રહેતી નથી. આ ઉપરાંત, EFT®વડે ભાવનાત્મક ખાઉધરાપણાને (Emotional Eating) પણ નિયંત્રણમાં રાખી શકાય છે. જો તમે તમારા જીવનની નકારાત્મક ઘટનાઓની ભાવનાત્મક યાદને અથવા તમારી ચિંતાઓને કે તનાવને કે અન્ય નકારાત્મક ભાવનાઓને શાંત પાડવા માટે આહારનો ટ્રાન્ક્વીલાઇઝર તરીકે ઉપયોગ કરતા હશો, એટલે કે આહારનો એક વ્યસન તરીકે ઉપયોગ કરતા હશો તો EFT® પ્રક્રિયા તમારી સાચી મિત્ર બની રહેશે. EFT®વડે તમે ભાવનાત્મક શાંતિ પ્રાપ્ત કરી શકશો આથી તમે તમારા આહાર લેવાની ટેવ બાબતે વધારે સભાન રહેશો અને તમારા આહાર સાથે એક નવો જ રિશ્તો કાયમ કરશો. અત્યાર સુધીના તમામ વેઇટલોસ પ્રોગ્રામ્સમાં જે ખૂટતી કડી હતી તે તમારી ભાવનાઓ (emotions) જ હતી જેને EFT®વડે ખૂબજ ઝડપથી અને અસરકારક રીતે રી-પ્રોગ્રામ કરી શકાય છે.
જો તમારે ખરેખર વજન ઓછું કરવું હોય તો વજન વધવાની સમસ્યાના મૂળમાં રહેલા અસલ કારણો પર કાર્ય કરવું ખાસ જરુરી બની જાય છે. કંઈક ખા-ખા કરવાની ટેવને અહીં આહારના વ્યસન તરીકે જ સ્વીકારવામાં આવે છે અને આ આહારનું વ્યસન પેદા થવાનું મૂળ કારણ છે તમારી ચિંતાઓ (Anxieties). અમેરિકાની વાત કરીએ તો અન્ય પદાર્થોના વ્યસનની સરખામણીએ આહાર લેવાનું (ખાદ્ય પદાર્થોનું) વ્યસન અમેરિકામાં પહેલા નંબર પર છે. અને વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જાડીયાપણાનું નં-૧ કારણ ઇમોશનલ ઇટીંગ જ છે. દારૂ, તમાકુ, સિગારેટ કે અન્ય વ્યસનોની જેમ ખાઉધરાપણું પણ એક જાતનું વ્યસન જ છે જેના દ્વારા તમારી ચિંતાઓ કે નકારાત્મક ભાવનાઓ પર કામચલાઉપણે પડદો પડી જાય છે અને તમને કામચલાઉ રાહત પ્રાપ્ત થાય છે.
તમારી જાતને સવાલ પૂછો કે તમે ખરેખર ભૂખ્યા નથી હોતા ત્યારે તમારા રેફ્રીજરેટર પર કેટલી વખત ધાડ પાડો છો? હવે જુઓ કે તમે આવી વર્તણુંક શા માટે કરો છો!!! તમારી ચિંતાની લાગણીઓ પર ઢાંક-પિછોડો કરવા માટે તો આવી વર્તણુંક નથી કરતાને!!! તમે કદાચ ચિંતાનું નામ ચોક્ક્સપણે નહિ આપો પણ કંટાળો કે "નર્વસ ઇટીંગ" કે "ઇમોશનલ ઇટીંગ" એવું કંઇક નામ આપશો... પણ ખરેખર તો એ પણ એક પ્રકારની ચિંતા જ છે.
ચિંતા (Anxiety) જ એક એવી સમસ્યા છે કે જે આપણને આહારના કે અન્ય કોઈ વ્યસનો તરફ દોરી જાય છે. એવી ચિંતાઓ પેદા થવાના અનેક કારણો છે. કૌટુંબીક તેમજ વ્યાવસાયિક સમસ્યાઓ માનસિક તનાવ પેદા કરે છે અથવા બાળપણમાં થયેલ નકારાત્મક અનુભવ કે કોઇ અન્ય પીડાદાયક યાદ પણ ચિંતા પેદા કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. વજન ઓછું કરવા માટે ખાઉધરાપણું પેદા કરતી ચિંતાઓને અને માન્યતાઓને હટાવવી પડે છે. અને આ બધી ચિંતાઓને અને માન્યતાઓને હટાવવા માટે EFT® એ સૌથી વધારે કાર્યક્ષમ ઓજાર છે.

Thursday, July 16, 2009

વધારે વજન છે? ડાયેટીંગ કરતા પહેલાં આ સત્ય જાણો...

શું તમારું વજન ખરેખર વધારે છે? તમને ડાયેટીંગ કરવાની સલાહ આપવામાં આવી છે? તો આ આર્ટીકલ આખેઆખો વાંચી કાઢો...
ગઇકાલે બપોરે ટીવી પર ચેનલ સર્ફિંગ કરતાં કરતાં ડિસ્કવરી ચેનલ પર રિમોટ અટકી ગયું, અને અચાનક જ મને બગાસું ખાતા ખાતા મોંમાં પતાસું આવી ગયું હોય તેવું થયું. બન્યું એવું કે એ વખતે ડિસ્કવરી ચેનલ પર તમારા આહાર તેમજ આહાર લેવાની પદ્ધતિ અને મોટાપા વચ્ચે શું સંબંધ છે એ દર્શાવતો એક અત્યંત મજેદાર કાર્યક્રમ રજુ કરવામાં આવી હતો. એ કાર્યક્રમનું નામ શું હતું એ તો મને અત્યારે યાદ નથી પણ એ કાર્યક્રમમાં આપણો આહાર, આહારની માત્રા તેમજ આહાર લેવાની પદ્ધતિની બાબતમાં થયેલાં રસપ્રદ સંશોધનો અને પ્રયોગો દર્શાવવામાં આવી રહ્યા હતા. એ કાર્યક્રમમાં એક જાડિયા અમેરિકન યુગલ પર વજન ઘટાડવાનો પ્રયોગ થઇ રહ્યો હતો. પ્રયોગ દરમ્યાન બન્ને પતિ-પત્નિ પોતાનું વજન ઘટાડવા માટે કટિબદ્ધ હતા, પત્નીનું વજન આશરે ૧૭૫ કિલો હશે અને પતિનું વજન આશરે ૧૪૦ કિલો જેટલું હશે. વજન ઘટાડવા માટે એ યુગલના ન્યુટ્રીશનિસ્ટ દ્વારા કોઇ ડાયેટ પ્લાન કે ડાયેટ પીલ્સ (વજન ઉતારવાની દવાઓ) આપવામાં નહોતી આવી, તેમજ તેઓના ખોરાકમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ એ બન્નેની ખોરાક લેવાની પદ્ધતિમાં તબદીલી કરવામાં આવી હતી. એ યુગલ જે સાઇઝની પ્લેટ્સ અને બાઉલ્સમાં પોતાનું ભોજન કરતા હતા તેના કરતા અડધી સાઇઝના પ્લેટ્સ અને બાઉલ્સનો ઉપયોગ કરવાની સુચના તેઓને આપવામાં આવી હતી. ભોજન કરતી વખતે કેટલા પ્રમાણમાં આહાર લેવો એ બાબતની કોઇ સૂચના આપવામાં આવી નહોતી, મતલબ કે તેઓને આહાર કેટલી માત્રામાં લેવો તેની કોઇ મર્યાદા નક્કી નહોતી કરવામાં આવી. જ્યારે આ પ્રયોગ શરું થયો ત્યારે એ બન્ને પતિ-પત્ની ખૂબજ આશ્ચ્રર્યમાં પડી ગયા, કારણ કે તેઓએ મહેસૂસ કર્યું કે તેઓ પોતાના રોજિંદા ડાયેટ કરતા લગભગ ૩૦% થી ૪૦% જેટલું ઓછું ભોજન લેતા હતા. અને ૩૦% થી ૪૦% જેટલું ઓછું ભોજન લેવા છતાં પણ તેઓ પોતાના આહારથી ખૂબજ સંતુષ્ટ થઇ જતાં હતા. એ બન્નેને પોતાનું ભોજન કરતી વખતે પોતે શું આરોગી રહ્યા છે એ બાબતે વધારે કોન્શીયસ બનવાનું પણ કહેવામાં આવ્યું હતું અને બન્ને એ કબુલ્યું કે અત્યાર સુધી તેઓ જે ભોજન લેતા હતા એમાં પોતે શું આરોગી રહ્યા છે તેનીપ્રત્યે તેઓનું ધ્યાન હતું જ નહીં, તેઓએ ભોજનનો આટલો આનંદ ક્યારેય નહોતો માણ્યો જે હવે માણી રહ્યા હતા, તેઓ પોતાના ભોજન અને આહાર લેવાની આ નવી રીતથી અત્યંત ખૂશ હતા કારણ કે એ બન્નેને મતલબ વગરની ભૂખ લાગવાનું લગભગ બંધ થઇ ગયું હતું, આ ઉપરાંત અન્ય ચીજોનું જે ક્રેવીંગ (ભૂખ ન હોવા છતાં પણ કોઇપણ ચીજને ફટાફટ ખાઇ જવાની તલપ કે ચોક્ક્સ ચીજોનો આહાર લેવાનું વ્યસન) રહેતું હતું તે પણ થતું નહોતું. આ પ્રયોગનું પરિણામ ખૂબજ આશ્ચર્યજનક હતું, લગભગ ત્રણ મહિનાના અંતે પતિના પેન્ટની સાઇઝ ૪૪" થી ૩૮" થઇ ગઇ હતી અને પત્ની માટે પણ નવા કપડાની ખરીદી કરવી પડી હતી. જુના અને નવા કપડાની સાઇઝમાં ખૂબજ મોટો તફાવત હતો. એ બન્ને એ એક મહિનામાં અંદાજે ૪ કિલો જેટલું સરેરાશ વજન ઘટાડ્યું હતું. વૈજ્ઞાનિકોના મત મૂજબ વજન ઘટાડવા માટે આ સરેરાશ અત્યંત આદર્શ છે. એ બન્નેનું વજન જે પ્રમાણે ઓછું થઇ રહ્યું હતું એ જાણીને તેઓ ખૂબજ ખુશ હતા અને વજન ઉતાર્યાની એ ખુશીમાં તેઓએ એક ઇવનિંગ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. પાર્ટીમાં આવેલા લોકો પણ વજન ઘટાડાથી આશ્ચર્યમાં પડી ગયા હતા અને એ યુગલને ખૂબ અભિનંદન આપતા હતા.
ડિસ્કવરી ચેનલના આ કાર્યક્રમ દરમ્યાન અન્ય માહિતિપ્રદ પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા. જેમાં એક પ્રયોગ એવો હતો જે લોકોના મોટા સમુહ પર ગુપ્ત રીતે કરવામાં આવી રહ્યો હતો. એ લોકોને એ ખબર નહોતી પડવા દીધી કે તેઓ પર આવો કોઇ પ્રયોગ થઇ રહ્યો છે. અલગ અલગ ઉંમરના લોકોને એક થિએટરમાં મૂવી જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રયોગમાં જે લોકો આવ્યા હતા તેઓને આ પ્રયોગ વિશે અગાઉથી કોઇજ માહિતિ નહોતી આપવામાં આવી, આ પ્રયોગ અત્યંત ગુપ્ત રીતે થઇ રહ્યો હતો. એ લોકોને તો એમજ માનતા હતા કે તેઓને માત્ર આ મૂવી જોવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રયોગનો ઉદ્દેશ એ જોવાનો હતો કે લોકો વધારે આહાર શા કારણે આરોગે છે. આ પ્રયોગ દરમ્યાન મૂવી જોવા આવેલા તમામ લોકોને પોપકોર્નના એક-એક બાઉલ આપવામાં જેમાં અડધા લોકોને અન્ય કરતા ડબલ સાઇઝના બાઉલ આપવામાં આવ્યા હતા, અને અમૂક લોકોને તો ૧૫ દિવસના વાસી પોપકોર્ન પણ પકડાવી દેવામાં આવ્યા હતા. મૂવી પત્યા બાદ પ્રયોગના અંતે વૈજ્ઞાનિકોએ જોયું કે મૂવીના અંતે તમામ લોકો પોતાના બાઉલમાં રહેલાં બધાજ પોપકોર્ન સફાચટ કરી ગયા હતા. ડબલ મોટી સાઇઝના બાઉલમાં રહેલા પોપકોર્ન પણ લોકો આસાનીથી ઝાપટી ગયા હતા અને જે લોકોને ૧૫ દિવસના વાસી પોપકોર્ન આપ્યા હતા તેઓ પોપકોર્નના સ્વાદ બાબતે ટીકા કરતા હતા તો પણ બાઉલમાં રહેલા બધા પોપકોર્ન સાફ કરી ગયા હતા. મતલબ કે લોકોને જે પણ સાઇઝના બાઉલમાં જે પોપકોર્ન આપવામાં આવ્યા હતા તેમાથીં ૯૫% જેટલા પોપકોર્ન લોકો ઝાપટી ગયા હતા, લોકોને બાઉલની સાઇઝ કે પોપકોર્નની ગુણવતા સાથે કોઇ નિસ્બત નહોતી. એ થિએટરમાં નીચે વેરાયેલાં બધા પોપકોર્નને વેક્યુમ ક્લિનર વડે એકઠાં કરવામાં આવ્યા અને તેનું વજન પણ કરવામાં આવ્યું. કુલ પોપકોર્નનું જે વજન હતું તેના લગભગ ૫% જેટલાં વજનનાં પોપકોર્ન નીચે જમીન પર વેરાયેલા હતાં. આ પ્રયોગથી એ સાબિત થયું કે તમારા આહારની માત્રા બાબતમાં તમે જે વાસણોમાં ભોજન કરો છો તે વાસણોની સાઇઝ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. વાસણ મોટી સાઇઝનું હોય એટલે સ્વાભાવિક છે કે તેમાં આહારની માત્રા વધારે જ રહેવાની અને ભોજન કરતી વખતે ૯૫% લોકો બેધ્યાન બની જતા હોય છે કે તેઓ શું આરોગી રહ્યાં છે. આથી કેટલો આહાર પેટમાં જઇ રહ્યો છે તેનું ભાન રહેતું નથી અને પ્લેટમાં જે જે ભર્યું હોય તે બધુંજ સફાચટ થઇ જાય છે. આથીજ પેલાં યુગલને તેઓના પ્લેટ-બાઉલની સાઇઝ અડધી કરી નાખવાની સુચના આપવામાં આવી હતી અને તેનું જબરદસ્ત પરિણામ પ્રાપ્ત થયું હતું.

તમારા આહાર અને પાણીને શું સંબંધ છે એ જાણવા માટે પણ એક રસપ્રદ પ્રયોગ એ કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યો હતો. ઘણાં લોકો એવું માનતા હોય છે કે ભોજન કરતા પહેલાં જો પાણી પી લેવામાં આવે તો પ્રમાણમાં ઓછો આહાર લેવાથી પણ પેટ ભરાઇ જાય છે. આવી ભૂલભરેલી માન્યતાનું આ પ્રયોગ દ્વારા ખંડન થઇ ગયું. આ પ્રયોગ દરમ્યાન એક વ્યક્તિની હોજરીનું MRI દ્વારા સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને તેની હોજરીનું લાઇવ MRI સ્કેનીંગ ટીવી સ્ક્રીન પર દર્શાવવામાં આવતું હતું જેથી આપણને ખબર પડે કે તેની હોજરીમાં શું ગતિવિધી થઇ રહી છે. એ વ્યક્તિને ભોજન આપતા પહેલાં એક ગ્લાસ પાણી આપવામાં આવ્યું, MRI સ્કેનીંગ ચાલું હતું એટકે હોજરીમાં જે પાણી દાખલ થતું હતું તે સ્પષ્ટ જોઇ શકતા હતા. જેવું પાણી હોજરીમાં દાખલ થયું અને લગભગ ૧૦ સેકન્ડ બાદ એ બધું પાણી હોજરીની બહાર હતું અને હોજરી બિલ્કુલ ખાલી દેખાતી હતી. આમ થવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સાદા પાણીમાં કોઇપણ પ્રકારના પાચન કરવા લાયક તત્વો મોજુદ હોતા નથી, આપણી હોજરી ખૂબજ સ્માર્ટ રીતે કાર્ય કરે છે એટલે તરત જ એ પાણીનો અન્ય જગ્યાએ નિકાલ કરી દે છે. એ વ્યક્તિએ પાણી પીધા બાદ તરતજ ભોજન લીધું, જે આહાર ભોજનમાં હતો તેને સ્પષ્ટ રીતે MRI દ્વારા જોઇ શકાતો હતો પણ જ્યારે આહાર હોજરી સુધી પહોચ્યો ત્યારે એ વ્યક્તિની હોજરી બિલ્કુલ ખાલી જણાતી હતી, તેમાં પાણીનો કોઇજ અંશ નહોતો અને આહારને MRI સ્કેનીંગમાં સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. એ વ્યક્તિ એ જે પ્રમાણમાં આહાર લીધો તે તેની રોજીંદી માત્રા પ્રમાણે જ લીધો હતો અને આખી હોજરી ભરાયેલી જણાતી હતી. આહારની માત્રામાં કોઇપણ જાતનો ઘટાડો જોવા નહોતો મળ્યો. આ પ્રયોગથી એમ સાબિત થાય છે કે ભોજન પહેલાં પાણી પીવાથી ભોજનની માત્રામાં કોઇપણ જાતનો ઘટાડો થતો નથી.
ભોજન અને પાણીના સંબંધ અંગે બીજો અન્ય પ્રયોગ પણ ખૂબજ માહિતિપ્રદ હતો. આ પ્રયોગ દરમ્યાન એકસરખું વજન અને લગભગ એકસરખો આહાર ધરાવતી બે વ્યક્તિઓને એકસરખી માત્રામાં જ ભોજન આપવામાં આવ્યું હતું. જે વ્યક્તિને પહેલા ભોજન આપવામાં આવ્યું તે સામાન્ય રોજિંદી ઢબ પ્રમાણે જ આપવામાં આવ્યું ત્યારબાદ એ વ્યક્તિને એક એવા હાઇ-વે પર ડ્રાઇવીંગ કરવાનું કહેવામાં આવ્યુ જે હાઇ-વે પર કલાકો સુધી કશુંજ ભોજન ઉપલબ્ધ ન હોય અને એ રસ્તા પર માત્ર રેગિસ્તાન સિવાય બીજું કશુંજ ન હોય, જેથી તેનું ધ્યાન માત્ર ડ્રાઇવીંગ સિવાય અન્ય ક્યાય દોરાય નહિ. સામાન્ય ઢબથી ભોજન લેનાર વ્યક્તિને લગભગ દોઢ કલાસ ડ્રાઇવીંગ કર્યા બાદ ફરીથી ભૂખનો અહેસાસ થયો. તેઓના ભૂખના અહેસાસની તીવ્રતા નક્કી કરવા માટે શુન્ય (૦) થી દસ(૧૦) આંક પ્રમાણે તીવ્રતા નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું અને દર અડધા કલાકે ભૂખની તીવ્રતાની નોંધ કરવાનું ફરજિયાત કર્યું હતું. હવે બીજા વ્યક્તિને એટલીજ માત્રામાં ભોજન આપવામાં આવ્યું હતું પણ કંઇક અલગ ઢંગથી... જે ભોજન પહેલી વ્યક્તિએ સામાન્ય ઢંગથી જેટલી માત્રામાં લીધું હતું તેટલી જ માત્રામાં એ તમામ વાનગીઓને મિક્સરમાં મિક્સ કરીને સૂપના સ્વરૂપમાં પીરસવામાં આવ્યું હતું. એ ભોજનનો સૂપ બનાવીને તેનું ભોજન લીધા બાદ એ વ્યક્તિને એ જ હાઇ-વે પર ડ્રાઇવીંગ કરવા માટે રવાના કરવામાં આવ્યો. આ પ્રયોગનું જે પરિણામ જોવા મળ્યું એ જોઇને વૈજ્ઞાનિકો દંગ થઇ ગયા. ભોજનને સૂપના સ્વરૂપમાં આરોગનાર વ્યક્તિને સામાન્ય ઢબથી ભોજન કરનાર વ્યક્તિ કરતા લગભગ દોઢ કલાક મોડી ભૂખ લાગી હતી. એટલે કે ત્રણ કલાક, બમણાં સમય પછી ભૂખનો અહેસાસ થયો હતો. મતલબ કે રોજીંદા ભોજનમાં જો મનગમતા સૂપનો ઉમેરો કરવામાં આવે તો પ્રમાણમાં ઓછી ભૂખનો અનુભવ થાય છે, પરિણામે આહારની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. બશર્તે... એ સૂપ લિક્વિડ નહિ પણ સેમી-સોલિડ સ્વરૂપે હોવો જોઇએ.
આપણે જોયું છે કે ડાયેટીંગ કરનારા લોકો યા મેદસ્વી લોકો દૂધ યા દૂધની બનાવટોનું નામ સાભળીને પણ ભડકી જાય છે. તેઓ પોતાના ભોજનમાં દૂધને અવગણે છે કારણ કે તેઓનું માનવું છે કે દૂધમાં દૂધની બનાવટોમાં રહેલી ચરબીથી તેઓનું વજન વધી જશે. આ માન્યતા બાબતનું સત્ય ચકાસવા માટે ડેન્માર્કમાં એક રસપ્રદ પ્રયોગ થયેલો હતો, જોકે એ પ્રયોગ થોડો જુગુપ્સાપ્રેરક (ચીતરી ચડે તેવો) હતો. પ્રયોગ દરમ્યાન અમુક વ્યક્તિઓને પોતાના રોજિંદા આહારમાં દૂધ યા દૂધની બનાવટો લેવાની સુચના આપવામાં આવી હતી અને એ પ્રયોગ અંદાજે ત્રણ મહિના સુધી ચાલ્યો હતો. એ ત્રણ મહિના દરમ્યાન દૂધ યા દૂધની બનાવટોને ભોજનમાં લેનાર વ્યક્તિઓ જે મળ (Stool) કરે એ મળને પ્રયોગશાળામાં પહોંચાડવાનું રહેતું હતું. એ લોકોના આહારમાં દૂધ તથા દૂધની બનાવટોમાં મિલ્ક-શેઇક, ફ્લેવર્ડ મિલ્ક, ફ્લેવર્ડ યોગર્ટ (દહીં) તથા અન્ય વાનગીઓ સામેલ કરવામાં આવી હતી અને તે બધામાં રહેલી ચરબીની માત્રાની નોંધ કરવામાં આવતી હતી. ત્રણ મહિના સુધી એ લોકોનું જે મળ એકઠું થયું તેનું પૃથક્કરણ કરવામાં કરવામાં આવ્યું અને જોયું કે તે મળમાં કેટલી ચરબી રહેલી છે. તેઓએ દૂધ યા દૂધની બનાવટો આરોગીને જે માત્રામાં ચરબીનો આહાર લીધો હતો તેની લગભગ ૮૫% ચરબી તો તેઓના મળમાંથી પ્રાપ્ત થઇ હતી. મતલબ કે શરીરમાં દૂધ યા દૂધની બનાવટોમાં રહેલી ચરબી જમા થતી નહોતી, આથી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે દૂધ યા દૂધની બનાવટોને આહારમાં લેવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું નથી. પણ, વૈજ્ઞાનિકોએ જે તારણ કાઢ્યું એ તારણ માત્ર પ્રાયોગિક હોઇ શકે તેમ હું માનુ છું. કારણ કે જે જે વ્યક્તિઓ એ પ્રયોગમાં સામેલ હતાં ત બધા પોતે જે ભોજન આરોગતા હતા એ બાબતે ખુબજ સાવધાન હતા. આથી તેઓ "કોન્શીયસ ઇટીંગ" કરતા હતા અને તેઓનું શરીર ભોજનમાં રહેલી ચરબી બાબતે સાવધ થઇ ગયું હોય અને એ ભોજનમાં રહેલી ચરબીનો આપમેળે જ નિકાલ થઇ ગયો હોય એમ બની શકે છે. આ પ્રયોગમાં દૂધ યા દૂધની બનાવટોની અસર ઓછી થઈ હોય અએ "કોન્શીયસ ઇટીંગ"ની અસર વધારે હોય તેમ હું માનુ છું. કારણ કે એ પ્રયોગ દરમ્યાન એ લોકો જાણી-જોઇને વધારે ચરબીનો ઉપયોગ કરતા હતા. અહીં આપણી સિસ્ટમનો બીજો નિયમ લાગુ પડતો હોય એવું લાગે છે.
દૂધની બાબતમાં મારો ખ્યાલ કંઇક અલગ છે. બાલ્યાવસ્થા પછી મનુષ્યને દૂધની જરૂરિયાત રહેતી નથી. જો આપણા શરીરને ખરેખર દૂધની જરુરિયાત હોત તો સ્ત્રીઓને આખી જિંદગી ધાવણ આવતું હોત અને મનુષ્ય આખી જિંદગી સ્તનપાન કર્યા કરતો હોત પણ મનુષ્ય એમ કરતો નથી. યોગની એક શિબિરમાં જણાંવવામાં આવ્યું હતુ કે ૧૨ વર્ષની ઉંમર બાદ આપણાં શરીરમાં દૂધને પચાવી શકે તેવા એન્ઝાઇમ્સ બનવાનું બંધ થઇ જાય છે આથી અગર આપણે દૂધ લઇએ તો પણ આપણું શરીર તેમાં રહેલા પોષક તત્વોને પચાવી શકતું નથી અને તેનો એમજ નિકાલ કરી નાખે છે. જોકે, આ માન્યતા સાચી છે એ અંગેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ઉપલબ્ધ નથી. મારા અનુભવ પ્રમાણે દૂધમાંથી પ્રોસેસ કરીને બનાવેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે દૂધની નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો કદાચ કોઇ નૂકશાન થતું નથી. પણ દુધની પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ જો તમને ખરેખર ભાવતી હોય અને તમને એ ચીજો આહારમાં લેવાની ઇચ્છા હોય તો નો પ્રોબ્લેમ... તમને જ્યારે ખરેખર ભૂખ લાગી હોય ત્યારે બિન્દાસ આરોગો...